સોનેરી સુવિચાર
સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે. જે ત્યાગે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે.
જે દેશ આધ્યાત્મિક હોવા પર ગર્વ લેતો હોય, જે દેશમાં આટલા સાધુ સંતો ને ફકીરો હોય, તે દેશ ગંદો કેમ રહી શકે?
ધરતી પોકારે છે : હું ધોવાઈ રહી છું, મારા કણોનું રક્ષણ કરનાર, ઠંડક આપનાર શોભારૂપ વૃક્ષો કપાઈ રહ્યા છે. એને બચાવવાં, ઉછેરવાં એ પરમાત્માની ઉપાસના છે.
ધરતી, ગાય ને વૃક્ષો આપણી માતા છે. તેની સેવા ભક્તિ છે. તેમાં જ્ઞાન ને વિજ્ઞાન ઉમેરાય તો તે યજ્ઞ બને છે અને જગતની ચેતના સાથે જોડાતાં તે જ કર્મ ચૈતન્ય યોગ બની જાય છે.
કર્મના આદિ, મધ્ય અને અંતમાં આનંદનો ઝરો વહેતો રહે એ છે કર્મની કુશળતા. એ છે કર્મયોગ.
તરાપાની મહત્વાકાંક્ષા સમુદ્રના ઘુઘવાટને દબાવી દેવાની હોય છે.
દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી.
નકામી ચિંતાઓ છોડો ! ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભક્તિભર્યું જીવન વિતાવો એમાં જ ગૌરવ છે. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ છે. તેથી અહંકાર અને દંભ છોડો.
કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે, અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વિના ન રહીએ, જરૂર લઈએ, અમારો એ હક છે એ એક વૃત્તિ, અને એથી ઊલટી બાજુ અમને ફળ ચાખવાનો હક ન મળવાનો હોય તો અમે કર્મ કરવાના નથી એ ઊઠવેઠ અમે શા માટે કરીએ? એ બીજી વૃત્તિ છે કર્મ તો કરો પણ ફળનો અધિકાર રાખશો નહીં.
સત્ય જ જગતનો સાર છે. એનાથી વિશ્વ ટકે છે. એના પર સોનાના ઢાંકણાનું આવરણ આવી જાય તો તે હટાવી સત્યને પામવું તે છે સાધના.
ભૂતકાળનો વિચાર ન કરો, તે તો વહી ગયેલો છે. ભવિષ્ય આપણા હાથમાં નથી. વર્તમાનને ઉત્તમ રીતે જીવો ને ત્રણે કાળના સ્વામી બનો.
પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે, એથી વધારે બીજું કંઈ તે કરતો નથી.
માણસ ધારે છે કંઈ ને થાય છે કંઈ, માણસની ઈચ્છા અને યોજના કામ આવતી નથી. બુદ્ધિપૂર્વકનું કાર્ય દૈવ પ્રતિકૂળ હોય તો નિષ્ફળ જાય છે.
મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.
આજે મોટાભાગના લોકો જેને સુખ માને છે તે ખરેખર તો બીજું કંઈ નહિ, માત્ર એમની ઈચ્છાઓની પૂર્તિ છે.
મેં આટલું કર્યું અને એણે આટલું કર્યું એવી કામની ગણતરી કરનાર કામ તો બગાડે છે, પણ માનવતાને લુપ્ત કરે છે.
માનવ જીવન અટપટું છે. કામ, ક્રોધ, લોભ, મોહનો નચવ્યો તે નાચે છે. છતાં તે માને છે કે હું જીવું છું. વિકારોથી ખરડાયેલું જીવન સાચું જીવન નથી. એક વિકાર શમે કે બીજો પેદા થયા વગર રહેતો નથી. વિકારની તૃપ્તિથી જે સુખ અનુભવાય છે તે ક્ષણિક છે. તેની સાથે દુ:ખ જોડાયેલું જ છે. નિર્વિકાર અવસ્થા જ સાચા સુખની ક્ષણ છે.
મન ભારે વિચિત્ર છે. ભાવિની કલ્પના કરી દોડાદોડી કરે છે. તે જ આપણને થકવી નાખે છે. જે ક્ષણે જે જીવન જીવાતું હોય તે ક્ષણે તેની સાથે એકરૂપ થઈ જીવવામાં જીવનનો આનંદ છે. ઈન્દ્રીયના સુખોથી તે અનેકગણું ઊંચું છે.
વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ.
ગાડીમાં બેઠા પછી પોટલાનો ભાર આપણે ઉપાડવો પડતો નથી. ઈશ્વર (અનંત ચેતના) ની ગાડીમાં ચઢી બેસી હળવા ફુલ થઈ જાવ.
દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી કોઈ મુર્ખામી નથી. ભુલવું એ પણ કળા છે.
ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.
પ્રવૃત્તિની કિંમત તે નાની કે મોટી છે તે પરથી અંકાતી નથી. નાનામાં નાનું કાર્ય કેટલી યોગ્ય બુદ્ધિથી થયું તેના પર જ તેની આંકણી થાય છે.
મારાપણામાં મમત્વ છે. તે જ માણસને પાડે છે. જગતના બધા કલહોના મૂળમાં મારાપણાનો મોહ છે. જેણે મમત્વ જીત્યું તેણે જગ જીત્યું. જગતની કોઈ ચીજ નથી મારી કે તારી. આટલું સમજાય તો જગત બદલાઈ જાય.
ઉપરથી ઈશ્વરની અપાર દયા વરસી રહી છે. એ કૃપાની જો મુઠી વાળી દઈશું તો ઉપરવાળો પણ મુઠી વાળી દેશે.
વરસતી કૃપાનો હથેળીને સ્પર્શ થાય ન થાય ત્યાં જ એને વહાવી દો. જેમ વહેંચતા જઈશું તેમ વધારે ને વધારે કૃપા વરસતી જશે.
પોતે ખરેખર જેટલા સારા હોય તેટલા દેખાવાની હિંમત બહુ થોડા લોકોમાં જ હોય છે.
ઓછો બોલવાનો સ્વભાવ સારો છે, પરંતુ જાણીબૂઝીને કશું જ નહિ બોલો તો તમારા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રેરાશે.
મોટાભાગના લોકો બીજા પર પોતાના દોષનો ટોપલો ઢોળી પોતાને નિર્દોષ સાબિત કરવા ટેવાયેલા હોય છે.
કોઈના વખાણ કરી ના શકતા હો તો કશો વાંધો નહિ, બીજાનાં વખાણ સાંભળી શકો તો યે ઘણું છે.
જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો અને જેવો સવાલ તેવો તેને જવાબ.
મિત્રોની ટીકા ખાનગીમાં કરો, જાહેરમાં તેની પ્રશંસા કરો.
જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.
મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.
જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.
જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે. જરૂર પડતાં ધૂળ પણ કિંમતી બની જાય છે.
વેઠથી માણસ થાકે છે. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી. કામનું કળામાં, સૌંદર્ય સર્જનમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે.
જે કામ તમે જાતે કરી શકો તે બીજાને સોંપો નહિ.
સગો જેમ નજીકનો તેમ વિશેષ ભયરૂપ.
કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.
સ્વધર્મને શોધવા જવો પડતો નથી. જે કાર્ય સામે આવીને ઉભું રહે તેને પ્રેમભાવે કરો. ફૂલ છોડને પાણી પાવું શું ચેતનાને અભિષેક નથી ?
આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે
0 Comments